રક્તદાન મહાદાન, ટીપે ટીપે જીવનદાન

ઘણા ભણેલા ગણેલા લોકોને પણ પૂરતી માહિતીના અભાવે રક્તદાન કરવાનું આવે તો આઘાપાછા થતા જોયા હશે. કોઈ ગુરુ ઘંટાલને રૂપિયા ધરી દેવા કરતા એક બોટલ લોહીનું દાન કરવું વધુ ઉત્તમ અને વાજબી છે. રક્તદાન બે પ્રકારનું હોય છે, ૧) whole blood donations ૨) plateletpheresis donations . પહેલા પ્રકારના બે રક્તદાન વચ્ચેનો સમયગાળો ૫૬ દિવસનો હોવો જોઈએ અને બીજા પ્રકારના બે રક્તદાન વચ્ચેનો સમયગાળો ત્રણ દિવસનો હોવો જોઈએ તેવો યુ.એસ.માં નિયમ છે. ટૂંકમાં ૫૬ દિવસે ફરી રક્તદાન કરી શકાય છે. સ્ત્રીઓ  દર ચાર મહીને અને ૧૬-૧૭ વર્ષના યુવાનો દર છ મહીને રક્તદાન કરી શકે છે.
Man with the golden arm તરીકે ઓળખાતો ઑસ્ટ્રેલિયાનો James Harrison આશરે ૨૦ લાખ બાળકો જે Rhesus disease વડે પીડાતા હતા તેમને પોતાના રક્તદાન વડે જીવન આપવામાં કારણભૂત બન્યો છે. ૧૯૩૬માં જન્મેલો જેમ્સ ૧૩ વર્ષની વયે ફેંફસાની સર્જરી માટે દાખલ થયેલો ત્યારે તેને ૧૩ લીટર લોહીની જરૂર પડેલી. એને સમજાઈ ગયું કે રક્તદાન મહાદાન છે અને જીવનદાન આપી શકે છે. ૧૮ વર્ષનો થયો અને તેણે રક્તદાન આપવાનું શરુ કરી દીધું હતું. ૫૬ વર્ષની ઉંમર સુધીમાં તેણે એક હજાર વખત રક્તદાન કરેલું છે. તેના બ્લડમાં Rhesus disease વિરુદ્ધ ભાગ્યેજ ઉપલબ્ધ એવા એન્ટીબોડી હોવાથી આજ સુધી બે મિલિયન બાળકોને જીવનદાન આપવા સક્ષમ બન્યો છે.
હા! તો મિત્રો રક્તદાન કરો, ચા કોફી સાથે બે ચાર બિસ્કુટ ખાઈને કોઈનું જીવન બચાવવામાં કારણભૂત થવાના છીએ તેવું વિચારી ખુશ થાઓ.

રક્તદાન વિશે વિસ્તૃત માહિતી


¥રક્તદાન

વ્યક્તિના શરીરમાં પાંચથી છ લિટર જેટલું લોહી વહેતું હોય છે. રક્તદાન દરમિયાન એમાંથી ફક્ત ૩૦૦થી ૪૫૦ મિ.લિ. જેટલું જ લોહી દાન કરી શકાય છે.જે ૨૪થી ૪૮ કલાકમાં ફરી બની જાય છે. વળી, એ માટે કોઈ ખાસ ડાયટ. દવાઓ કે આરામની કોઈ જરૃર રહેતી જ નથી.

¥કોણ કરી શકે ?

૧૮થી ૬૦ વર્ષની કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ, જેનું વજન ૪૫થી ૫૫ કિલો જેટલુ હોય, પલ્સ એટલે કે નાડીના ધબકારા દર મિનિટે સાઠથી સોની વચ્ચે રહેતા હોય.

¥આટલું ધ્યાન રાખો

  • રક્તદાતાએ છેલ્લા ૪૮ કલાકમાં બ્લડપ્રેશરની, પેઈન કિલર કે કોઈ પણ પ્રકારની દવા લીધી ન હોવી જોઈએ.
  • ૪૮ કલાક પહેલાંથી આલ્કોહોલ ન લીધું હોય કે સ્મોકિંગ ન કર્યું હોય. છેલ્લા છ માસમાં તેના પર કોઈ પણ પ્રકારની સર્જરી કરવામાં ન આવી હોય.
  • રક્તદાતાને છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન કમળો થયો ન હોય એ જરૃરી છે.
  • હેપેટાઈટિસ બી, સી અને સિફિલિસ જેવા રોગની તકલીફ જીવનમાં ક્યારેય થઈ ન હોય તેમજ એચ.આઈ.વી. ટેસ્ટ નેગેટિવ હોય, તેજ રક્તદાન કરી શકે છે.
  • પુરુષ વ્યક્તિ દર ૨-૩ મહિને અને સ્ત્રી વ્યક્તિ દર ૪-૬ મહિને રક્તદાન કરી શકે છે.

¥રક્તદાન પૂર્વે

રક્તદાન કરતાં પહેલાં કોઈ પણ ચીજવસ્તુ ખાઈ શકાય. હળવો નાસ્તો અને તેની સાથે કોઈક પીણું (માદક નહીં) લઈ શકાય, જેથી રક્તદાન કરવું અતિ અનુકૂળ, રાહતમય અને આરામદાયક રહે છે.

¥રક્તદાન વખતે

રક્તદાનની કાર્યવાહી ખૂબ જ સરળ અને સીધી છે. તમે રક્તદાન કેમ્પમાં પહોંચો કે તુરત જ એક ફોર્મમાં તમારી થોડી વિગતો ભરવાની હોય છે. ત્યાં રહેલા તબીબી ચિકિત્સક તમારી તબીબી માહિતી મેળવે છે. તમારું વજન, લોહીનું દબાણ, હૃદયના ધબકારાની જાણકારી માટે નાડી પરીક્ષણ, શરીરનું તાપમાન વગેરે માપવામાં આવે છે અને તેની નોંધ કરાય છે. તમે એનિમિક (ફીકાશવાળા) તો નથી ને, તેની ખાતરી કરવા માટે તમારા લોહીનું એક નાનું ટીપું લેવાય છે. બસ…. તમે આ સરળ અને સાદી તબીબી તપાસમાંથી પસાર થઈ જાવ પછી તમને રક્તદાન માટેની જગ્યાએ લઈ જવાય છે. રક્તદાનની ક્રિયા ફક્ત ૧૦-૧૨ મિનિટની જ હોય છે. ત્યાર પછી, તમને થોડો આરામ આપવામાં આવે છે.

¥રક્તદાન પછી :

શરીરના પ્રવાહીને સરભર કરવા માટે કોઈ પણ પીણું (ઠંડુ કે ગરમ) કે પછી ફળોનો રસ પી શકાય. જ્યાં રક્તદાન કેમ્પ હોય છે તે સ્થળે આ બધી જ સગવડ ઉપલબ્ધ હોય છે, તેમના તરફથી આ સગવડ તમને મળી રહે છે.
vબ્લડ બેંક કાર્ય :
બ્લડ બેંકમાં એકઠાં થયેલાં લોહીનાં ઘટકતત્ત્વો જેવાં કે લાલકણ, પ્લેટલેટ્સ વગેરેનું પદ્ધતિસર વર્ગીકરણ પરીક્ષણ કરવામાં આવે છે. આવશ્યક ઉષ્ણતામાનમાં સંગ્રહ કરાય છે અને ક્રોસ મેચિંગ કરીને જરૃરિયાતવાળા દર્દીઓને એ લોહી અપાય છે.

¥બ્લડ ગ્રૂપ :
A : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A એન્ટિજન આવેલા હોય અને ‘B’ પ્રકારના એન્ટિબોડીઝ બ્લડ પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ ગ્રૂપ A કહેવાય.
B : ‘B’ એન્ટિજન આવેલા હોય અને A પ્રકારના એન્ટિબોડીઝ બ્લડ પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડગ્રૂપ ‘B’ કહેવાય.
AB : A અને ‘B’ બંને એન્ટિજન આવેલાં હોય અને બંને પ્રકારના એન્ટી બોડીઝ બ્લડ પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું ‘AB’ ગ્રૂપ કહેવાય.
O : જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A અથવા ‘B’ કોઈ પણ પ્રકારના એન્ટિજન આવેલા ન હોય અને બંને પ્રકારના એન્ટિબોડીઝ બ્લડ પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડગ્રૂપ ‘O’ કહેવાય.

¥પોઝિટિવ અને નેગેટિવ :
આ એ, બી, એબી અને ઓ ઉપરાંત બ્લડગ્રૂપમાં પોઝિટિવ અને નેગેટિવ ગ્રુપ્સ પણ હોય છે. આરએચ ફેક્ટર તરીકે ઓળખાતા એન્ટિજન અને એન્ટિબોડીઝની હાજરી કે ગેરહાજરી પરથી આ બે ગ્રૂપ જુદાં પડે છે.
પોઝિટિવ : જે વ્યક્તિમાં ઉપરોક્ત એન્ટિજન ઉપરાંત લાલ રક્તકણોની સપાટી પર  RH એન્ટિજન પણ હાજર હોય એ લોહી RH પોઝિટિવ ગણાય.
નેગેટિવ : જે વ્યક્તિમાં લાલ રક્તકણોની સપાટી પર RH એન્ટિજન હાજર ન હોય એને RH નેગેટિવ લોહી કહેવાય.
બ્લડ ગ્રૂપ મેચ :
લોહીના મુખ્ય ચાર પ્રકાર હોય છે. આ ચારેયમાં પોઝિટિવ અને નેગેટિવ બંને હોઈ, કુલ આઠ પ્રકારનાં બ્લડગ્રૂપ માનવ શરીરમાં હોય છે. જ્યારે કોઈ એક વ્યક્તિને બીજી વ્યક્તિનું લોહી ચડાવવું પડે ત્યારે ક્યું બ્લડ ગ્રૂપ કોની સાથે મેચ થાય છે. એ જોવું ખૂબ જ જરૃરી છે. જો મેચ થતું ન હોય તેવું લોહી દર્દીને અપાય તો દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.

¥કોણ કોને લોહી આપી શકે ? :
A ગ્રૂપધારક વ્યક્તિ A અને ‘AB’ ગ્રૂપ ધરાવતી વ્યક્તિને, ‘B’ ગ્રૂપ ધારક વ્યક્તિ ‘B’ અને ‘AB’ ગ્રૂપ ધરાવતી વ્યક્તિને, ‘AB’ ગ્રૂપધારક વ્યક્તિ ‘AB’ ગ્રૂપ ધરાવતી વ્યક્તિને અને ‘O’ ગ્રૂપધારક વ્યક્તિ ‘A’, ‘B’, ‘AB’, ‘O’ ગ્રૂપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે છે.

¥કોણ કોનું લોહી લઈ શકે ?:
A ગ્રૂપ ધરાવનારી વ્યક્તિને A તથા ‘O’ ગ્રૂપનું,
‘B’ ગ્રૂપ ધરાવનારી વ્યક્તિને ‘B’ તથા ‘O’ ગ્રૂપનું,
‘AB’ ગ્રૂપ ધરાવનારી વ્યક્તિને A,’બી’, ‘AB’, ‘O’ ગ્રૂપનું,
‘O’ ગ્રૂપ ધરાવનારી વ્યક્તિને માત્રને માત્ર ‘O’ ગ્રૂપનું લોહી મેચ થાય છે.
‘AB’ ગ્રૂપ ધરાવનારી વ્યક્તિ દરેક પ્રકારનું ગ્રૂપનું લોહી લઈ શકે એમ હોવાથી એને યુનિવર્સલ રિસિવર બ્લડ-ગ્રૂપ કહેવાય છે. જ્યારે ‘O’ ગ્રૂપ ધરાવનારી વ્યક્તિનું લોહી કોઈ પણ બ્લડ-ગ્રૂપ ધરાવનારને આપી શકાતું હોવાથી એને યુનિવર્સલ ડોનર બ્લડ ગ્રૂપ કહે છે.
vRH ફેક્ટર :
લોહીની આપ-લેમાં પોઝિટિવ અને નેગેટિવ આર એચ ફેક્ટરનો પણ આધાર રહે છે.  આરએચ. નેગેટિવ ધરાવનારી વ્યક્તિ આર.એચ. પોઝિટિવ તેમજ નેગેટિવ બંને પ્રકારના લોકોને લોહી આપી શકે છે. જ્યારે આરએચ પોઝિટિવ ગ્રૂપ ધરાવનારી વ્યક્તિનું લોહી આરએચ. પોઝિટિવ ધરાવનારા ગ્રૂપને જ આપી શકાય છે, પરંતુ તે આરએચ નેગેટિવ ગ્રૂપવાળું લોહી લઈ શકે છે.

¥ફાયદા :
રક્તદાન કરવાથી થતા ફાયદા અંગે ડોક્ટરોમાં હજી એકમત સધાયો નથી, પરંતુ વિશ્વની જુદી જુદી સંશોધન સંસ્થાઓના ડોક્ટરોએ બ્લડ ડોનેશનને કારણે થઈ શકે એવા ફાયદાઓની શક્યતાઓ જણાવી છે.
  • પુરુષોમાં હૃદયરોગોની શક્યતાઓ ઘટે છે. લોહી આપવાથી શરીરમાં રહેલા લોહીમાંના લાલ રક્તકણો વધુ પેદા થાય છે. એવું સંશોધકોનું કહેવું છે.
  • જે વ્યક્તિઓનો લોહીમાં આયર્નનો ભરાવો થવાની શક્યતાઓ રહેતી હોય તેઓ જો વખતોવખત રક્તદાન કરે તો તેમના લોહીમાં મોટી માત્રામાં આયર્ન એકઠું થતું અટકે છે.
  • રક્તનું દાન કરવાથી શરીરમાં બ્લડ સક્યુલેશન (રક્ત પરિભ્રમણ) સુધરે છે. લોહીમાંનાં ઝેરી કેમિકલ્સનું પ્રમાણ પણ ઘટે છે.
  • રક્તદાન કરવાથી કોઈ પણ જાતની આડઅસર થતી નથી.
vસંપર્ક
રક્તદાન કરવા માટે  આપના ઘરની નજીક આવેલી કોઈ પણ જનરલ હોસ્પિટલનો, માન્ય સંસ્થાનો કે અવારનવાર યોજાતા કેમ્પનો સંપર્ક કરી શકો છો.

 
Top